ચોમાસા માટે ધૂપથેરપી

ચોમાસા માટે ધૂપથેરપી

રામજીભાઈ, તમે સોસાયટીના સેક્રેટરી છો એટલે એક વાત કહેવી છે. આપણી સોસાયટીની આજુબાજુ પુષ્કળ ગંદકી રહે છે અને એમાં પણ વરસાદને કારણે પાણીનાં ખાબોચિયાં પણ ભરાયેલાં રહે છે. કચરો હવે સડવા માંડ્યો છે અને દુર્ગંધ મારવી શરૂ થઇ છે. તમે નગરપાલિકાને જાણ કરો, તો આનો તરત નિકાલ થશે. આપણા એરિયામાં અત્યારે ઘરે ઘરે મેલેરિયા અને વાઈરલ તાવમાં લોકો સપડાયા છે. જ્યારે જુઓ ત્યારે ડોકટરોને ત્યાં લાઈનો લાગી હોય છે. મચ્છર ભગાડવા માટે દવા છાંટવા (સફેદ ધુમાડા કાઢતું) મશીન પણ આપણી સોસાયટી બાજુ મોકલી આપવા રજૂઆત કરશો. ભેજવાળા વાતાવરણમાં મચ્છરો ઉપરાંત માખી, વંદા, ચાંચડ જેવા જીવજંતુઓનો ત્રાસ વધી જાય છે અને મલેરિયા અને બીજા જીવલેણ રોગોનો ખતરો સતત રહે છે. સરકાર દર વર્ષે અબજો રૂપિયા ખર્ચે છે, પણ એનો ત્રાસ ઓછો થતો નથી. એક જાગૃત નાગરિક અને સોસાયટીના સેક્રેટરી તરીકે તમે અમારા સૌનાં સ્વાસ્થ્ય માટે આટલું કરો.’

‘માસ્તર સાહેબ, તમારી વાત અગત્યની છે. હું આજે નગરપાલિકાનું ધ્યાન દોરીશ. પરંતુ આપણી સોસાયટીની અંદર અને આજુબાજુ સ્વચ્છતા રાખવાની ફરજ આપણા સૌની છે વાત લોકો ક્યારે સમજશે? બધી ગંદકી કરી કોણે? ઘરની અંદર આપણે સફાઈ રાખવા તરફ જેટલું ધ્યાન આપીએ છીએ તેટલું ધ્યાન ઘરની આજુબાજુની સફાઈ માટે રાખતા નથી. હું ભલે શહેરમાં રહેતો હોઉં, પરંતુ હજી પણ ગામડાનો માણસ છું. ગામમાં અમે લોકો દરરોજ આંગણું સાફ કરીએ અને ઘરમાં ધૂપ કરીએ. ગુગળ અને લીમડાનાં પાનનો ધૂપ કરીએ, એટલે બધાં જીવજંતુઓ ભાગી જાય. ગામડામાં આજ સુધી આટલા બધા ડોક્ટરો ક્યાં હતા? છતાં મલેરિયા અને વાઈરલ ફીવરનો, શહેર જેટલો ઉપદ્રવ ગામમાં નહોતો. કમનસીબે ધૂપ કરવાની પ્રથા ભુલાતી જાય છે. એના બદલે મચ્છર અગરબત્તીઓ આવી ગઈ. પરંતુ એમાં વાપરતાં કેમિકલને કારણે લોકોને એલર્જીઓ થાય છે. વાતાવરણની શુદ્ધિ માટે આજકાલ ફ્યુમિગેશન બહુ પ્રચલિત છે. પરંતુ એનાં મૂળિયાં આપણા શાસ્ત્રોમાં છે. પહેલાંના સમયમાં ઋષિમુનિઓએ માખી, મચ્છર જેવાં જીવજંતુઓના ત્રાસમાંથી રાહત મેળવવા માટે ધૂપ થેરપી વિકસાવી હતી. જેમાં ગુગળ, કડવો લીમડો, જવ, સરસવ, ઘી અને બીજાં સુગંધી આપનાર દ્રવ્યો વપરાતાં. દરેક વ્યક્તિ પોતાના અને કુટુંબ માટે ઘરની અંદર ધૂપ કરતા, જ્યારે આખા ગામમાં જીવજંતુઓથી રક્ષણ માટે યજ્ઞ કે હવન થતા. યજ્ઞોમાં હોમાતાં દ્રવ્યો અને ઔષધોના લીધે યજ્ઞસ્થળથી ઘણા મોટા વિસ્તારમાં રહેલા આપણને હાનિકારક વાઈરસ, બેક્ટેરિયા નાશ પામે છે. હોમ, હવન કે ધૂપ કરવાથી વાતાવરણમાં સ્ફૂર્તિ આવે છે અને ઓક્સિજનનું પ્રમાણ પણ વધે છે એવું આજનું વિજ્ઞાન કહે છે.’

‘રામજીભાઈ, તમારી વાત સો ટકા સાચી છે. પરંતુ અત્યારના સમયમાં આવી વાત કરીએ તો લોકો આપણને જૂનવાણી ગણે છે. ધૂપ કહીએ, તો આપણે જૂનવાણી અને ફ્યુમિગેશન બોલો, તો વાહ… વાહ… આપણા ધૂપ કેમિકલ વગરની વનસ્પતિઓમાંથી બનાવવામાં આવતા. પણ અત્યારે બધું શક્ય છે? બજારમાં કેમિકલ વગરના ધૂપ મળશે કે કેમ તેની શંકા રહે છે.’

‘માસ્તર સાહેબ, હું તો ચોમાસા દરમિયાન ઘરમાં રોજ ધૂપ કરું છુ અને તે પણ જાતે બનાવેલો. તમારે બનાવવો હોય, તો એની રીત તમને પણ જણાવું. ખાસ કશું અઘરું કામ નથી. એના માટે સુગંધીવાળો 200 ગ્રામ, તલ 200 ગ્રામ, ગુગળ 100 ગ્રામ, લોબાન 100 ગ્રામ, લીમડાના પાનનું ચૂર્ણ 100 ગ્રામ, કઠ ચૂર્ણ 100 ગ્રામ, સુખડ (ચંદન) 50 ગ્રામ, જાવંત્રી 50 ગ્રામ, ભીમસેની કપૂર, ગાયનું ઘી આટલી વસ્તુઓની જરૂર પડશે. સૌ પહેલા સુગંધીવાળો, તલ, લોબાન, લીમડાના પાનનું ચૂર્ણ, કઠ ચૂર્ણ, સુખડ (ચંદન) અને જાવંત્રી બધાનું ખાંડીને ચૂર્ણ કરવું. છેલ્લે તેમાં ગુગળ ઉમેરવો અને ખાંડીને એકસરખું મિક્સ થઇ જાય, પછી તેમાં ગાયનું ઘી ઉમેરી સારી રીતે મસળવું અને પછી સ્ટીલના ડબ્બામાં ભરી લેવું. ઘણા લોકો આની નાની નાની ધૂપ સ્ટિક જેવું બનાવી લે છે અને સ્ટિક પર થોડું ભીમસેની કપૂર લગાવી લે છે. તમારો ઘરે બનાવેલો ધૂપ તૈયાર. ધૂપદાનીમાં થોડા કોલસામાં અગ્નિ પેટાવીને તેના પર ધૂપની આહુતિ આપવી. ધૂપદાની રૂમના એક કોર્નરમાં રાખી મૂકવાથી ધૂપની સુગંધ વાતાવરણમાં ધીમે ધીમે પ્રસરી જશે અને પવિત્ર વાતાવરણ સર્જાશે. સાથે સાથે ચોમાસા દરમિયાન રોગકર્તા જીવજંતુઓ અને વાઈરસથી ઘરના લોકોનો બચાવ થશે.’ { ayulink@gmail.com

પાંચમો વેદ
વૈદ્ય પ્રેરક શાહ

મોં સુકાય છે?

મોં સુકાય છે?

‘કાકુભાઈ, બેસી કેમ રહ્યા છો? ચાલો નાસ્તાની ડીશ લઇ લો. મેથીના ગોટા મસ્ત બન્યા છે અને એની સાથે ચટણી પણ સરસ છે. મજા આવશે.’

‘વિનોદભાઈ તમે તમારે મેથીના ગોટાની મજા માણો. મારાથી નહિ ખવાય. આજકાલ મને દાંતનું ચોકઠું સેટ કરવામાં બહુ તકલીફ પડે છે. મને પેઢામાં બળતરા થાય છે અને બહુ કડક વસ્તુ હોય તો ચાવવામાં પણ તકલીફ પડે છે. એટલે હવે હું માત્ર બે ટાઈમ, સમયસર જમી લઉં છું. પછી આખો દિવસ કશું જ આચરકૂચર મોંમાં મુકવાની વાત જ નહિ. ડોક્ટરને બતાવી આવ્યો. એમણે મને તપાસીને મેડીકલ ભાષામાં મારું નિદાન કરી દીધું. મને ઝેરોસ્ટોમિયા નામનો રોગ થયો છે. મેં કહ્યું કે સીધી સાદી ભાષામાં કહો તો ખબર પડે. એટલે કહે કે કાકુભાઈ તમને મોંમાં લાળ પૂરતા પ્રમાણમાં બનતી નથી, લાળનું પ્રમાણ ઘટી જાય છે અને મોં સુકાય છે એટલે આવું થાય છે. સામાન્ય રીતે આવી રીતે મોં સુકાવવાની ફરિયાદ વૃદ્ધોમાં વધારે જોવા મળે છે.’

‘આપણે બંને લગભગ સરખી ઉંમરના છીએ, પરંતુ મને તો આવું કશું થયું નથી. તમને બીજું કશું થાય છે? બીજી કોઈ કમ્પ્લેઈન્સ છે? મોંમાં લાળ ઓછી થાય તો બીજું શું થાય?’

‘બહુ સિરીયસ કહી શકાય એવી કોઈ કમ્પ્લેઇન નહિ, પણ આપણે નોર્મલ ફિલ ના કરીએ. મોં સુકાવવાને કારણે બોલવામાં થોડી તકલીફ પડે. મોં અંદરથી સુકાય નહિ તેના માટે સતત પાણી પીવાની ઈચ્છા થાય. પણ પછી વધારે પાણી પીએ તો વધારે બાથરૂમ જવું પડે એટલે એ બીજી તકલીફ. મોં અને જીભ સુકાય એટલે ખાવામાં મુશ્કેલી પડે, ખાસ કરીને કડક અને સુકો ખોરાક ખાવામાં આવે ત્યારે મુશ્કેલી થાય. ખાવાની વસ્તુઓનો પહેલા જેવો સ્વાદ એન્જોય કરી શકીએ નહિ કારણકે જીભની સ્વાદ પારખવાની શક્તિઓ ઓછી થઇ જાય. મોંમાં બહુ ડ્રાયનેસ આવે ત્યારે હોઠ સુકાઈ જાય અને હોઠમાં ચીરા પણ પડે.’

‘કાકુભાઈ, ગજબની છે આ દુનિયા. જુવાન હતા ત્યારે બધા કહેતા હતા કે ખોરાકને શાંતિથી ચાવીને ખાવ. ચાવવાથી મોંની લાળ ખોરાકમાં ભળે છે અને એનાથી ખોરાકનું પાચન સારું થાય છે. એવું વાંચેલું પણ ખરું કે ગાય, ભેંસ, કુતરા જેવા પ્રાણીઓ એમને ઘા પડ્યો હોય એ જગ્યાએ ચાટ્યા કરે છે કારણકે લાળમાં ઘા રૂઝવી શકે તેવા કુદરતી તત્વો રહેલા છે. કેટલાક લોકોને લાળને આંખમાં આંજવાનું કહેતા સાંભળ્યા છે. પણ આ બધું સમજમાં આવતું નથી.’

‘વિનોદભાઈ, શરીરમાં લાળનું ઘણું મહત્વ છે. મોંમાં લાળ હોવાથી બોલી શકાય છે. લાળને લીધે દાંત સડતા નથી. લાળને લીધે દાંત પર ચોંટેલો ખોરાક નીકળી જાય છે. લાળ દાંતને સડતા અટકાવે છે. લાળને લીધે મોંમાં ઇન્ફેકશન થતું નથી. એના લીધે ખોરાક ચાવવામાં સરળતા રહે છે, ખાધાની સમજ પડે છે એટલેકે સ્વાદની સમજ પડે છે. બાળકોને લાળ વધારે પડતી આવતી હોય છે, જયારે આપને ઉમ્મરલાયક થઈએ ત્યારે લાળનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જતું હોય છે. લાળ ઘટવાની પ્રક્રિયાને મેડીકલ ભાષામાં હાઈપો સલાઈવેશન કહે છે. ડોક્ટર એવું કહેતા હતા કે ઘણી બધી દવાઓની આડઅસરના કારણે પણ લાળનું પ્રમાણ ઘટી શકે છે. આ ઉંમરે આપણા જેવા મોટા ભાગના લોકો હાઇબ્લડપ્રેશરની દવાઓ કે ડીપ્રેશનની દવાઓ લેતા હોઈએ છીએ, પેઇનકિલર દવાઓ કે એલર્જી મટાડવાની એન્ટી-હિસ્ટામાઇન દવાઓ, સ્નાયુઓને આરામ આપવાની દવાઓ, આવી બધી દવાઓની આડઅસર રૂપે લાળનું પ્રમાણ ઘટતું જોવા મળે છે. દવાઓ ઉપરાંત કેટલાક રોગોમાં પણ મોંમાં લાળ ઘટી જાય છે. પાર્કિન્સન્સ, યુરીનના રોગો, કેન્સરની દવાઓ – કેમોથેરાપી સારવાર દરમ્યાન, એનિમિયા, સ્ટ્રેસ, રૂમેટોઇડ આર્થરાઈટીસ, મલ્ટીપલ સ્કલેરોસિસ જેવા રોગોમાં પણ લાળ ઘટી જાય છે અને મોં સુકાઈ જતું હોય છે.’

‘કાકુભાઈ, પછી ડોકટરે તમને કોઈ દવા બતાવી કે નહિ? આ ઉંમરે એક રોગ કાઢતા બીજો પેસે એની બહુ બીક લાગતી હોય છે. ટેન્શન, ડાયાબીટીસ, હાઈ બ્લડપ્રેશર જેવા રોગો આપણા શરીરમાં પેંધા પડેલા હોય છે. એમાં પછી આવી બિમારી પોષાય નહિ.’

‘મારો ડોક્ટર બહુ સારો મિત્ર પણ છે. એ પાછો આયુર્વેદનો ચાહક છે. એટલે એણે મને દવાતો આપી નહિ, પણ લેકચર બહુ મોટું આપ્યું. દર થોડા સમયે થોડું થોડું પાણી પીતા રહેજો, આલ્કોહોલ, સોડા, ઠંડા પીણાઓ લેવાના નહિ, સાકર વગરની ચ્યુઇન્ગમ ચાવવી, એના લીધે પણ થોડી વધારે લાળ છુટશે. તમાકુ, ગુટકા, કે સ્મોકિંગ બિલ્કુલ નહિ. ગળ્યું નહિ ખાવાનું. આઈસ્ક્રીમ, જલેબી, પેંડા, બરફી નહિ લેવાના. દાંત સડતા અટકાવવા માટે નિયમિત લીમડા કે બાવળની છાલમાંથી બનાવેલ દંતમંજન વાપરવું. રોજ રાત્રે સુતા પહેલા દાંત અને પેઢા પર તલનું તેલ ઘસવું. દિવસ દરમ્યાન ૧૦-૧૫ નંગ પાણીમાં પલાળી રાખેલી સુકી કાળી દ્રાક્ષ ચૂસ્યા કરવી. ટાઈમ મળે ત્યારે આયુર્વેદની નસ્યકર્મ અને ગંડુષ – કવલ નામની સારવાર કરાવવાની સલાહ આપેલી છે. માત્ર ૨ અઠવાડિયાની સારવારથી આખું વર્ષ સારું જશે એમ એમનું કહેવું છે. લ્યો, હવે તમારા ગોટા પત્યા હોયતો, થોડું ચાલીશું?’

  • વૈદ્ય પ્રેરક શાહ

એક શરીરમાં સો સો રોગ?

એક શરીરમાં સો સો રોગ?
 

વૈદ્યમિત્ર, અત્યારે મારી ઉંમર 54 વર્ષ છે અને વજન ૭૨ કિલો છે. છેલ્લા દસ વર્ષમાં લગભગ 15-17 કિલો વજન વધી ગયું છે. મને થાઈરોઈડની બીમારી નથી, ડાયાબિટીસ કે બ્લડપ્રેશર જેવી કોઈ બીમારી પણ નથી. હું દર ત્રણ-ચાર વર્ષે રૂટિનમાં ફૂલ બોડી ચેકઅપ કરાવું છું. બધું નોર્મલ છે છતાં પણ મારી તકલીફો ગણાવવા બેસું તો એનો અંત આવે તેમ નથી. ક્યાંથી શરૂ કરું? મને પાચનની નબળાઈ રહે છે. ખાધેલું સરખું પચતું નથી. ગેસ, એસિડિટી અપચો અને કબજિયાત કાયમી રહે છે. પેટ કાયમ ભારે રહ્યા કરે, પેટમાં પથરો પડ્યો હોય તેવું લાગે, ભૂખ સરખી લાગતી નથી, જમ્યાં પછી ખોરાક ઉપર આવ્યા કરે, ઘણી વાર ઊબકા આવે અને ક્યારેક તો ઊલટી પણ થઇ જાય. આવું થાય ત્યારે માથું ભારે રહે અને થોડું ચક્કર આવવા જેવું લાગે. કશું ગમે નહીં. ગેસ્ટ્રો-એન્ટ્રોલોજિસ્ટની દવાઓ ચાલુ છે. એનાથી થોડો આરામ રહે છે. ચાર-પાંચ વર્ષથી શરીરમાં વા થયો છે. બધા સાંધાઓમાં ફરતો ફરતો દુખાવો થાય છે અને સાંધાઓ જકડાઈ જાય છે. હમણાથી તો સ્નાયુઓ પણ જકડાઈ જતા હોય તેમ લાગે છે. જાણે કે આખું શરીર એકદમ કડક થઇ ગયું છે. આના કારણે આખો દિવસ આરામ કરવો પડે છે. ઘરનું કોઈ કામ સરખી રીતે થતું નથી. દુખાવો વધી જાય ત્યારે નાછૂટકે પેઇનકિલર દવાઓ લેવી પડે છે. સવારમાં ઊઠીએ ત્યારથી શરીરમાં ભયંકર થાક અને આળસ હોય છે, સ્ફૂર્તિ આવતી નથી. આખો દિવસ પડતા નાખવાનું મન થાય, બગાસાં પુષ્કળ આવે છે. ભૂખ લાગતી નથી. ઉપરાંત દરેક ઋતુ બદલાય ત્યારે મને એલર્જી થઇ જાય છે. મને થોડા વર્ષોથી કોલેસ્ટેરોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સ વધારે રહે છે. હું એના માટેની દવાઓ નિયમિત લઉં છુ. મને થોડું ડિપ્રેશન જેવું લાગ્યા કરે છે. શરીરમાં કોઈ સ્ફૂર્તિ નહીં અને મનમાં કોઈ ઉત્સાહ નહીં. વધારે પડતી ઊંઘ, સતત ચીડિયાપણું, કશું ગમતું નથી, ઘર-બાળકો અને સામાજિક કોઈ કાર્યોમાં મન લાગતું નથી. બેડરૂમના અંગત પ્રશ્નો પણ છે. હવે તમારે મને સંપૂર્ણ સાજી કરવાની છે.
‘બહેન, બધાને ખબર છે કે માળામાં 108 મણકા હોય. જરૂરી નથી કે દરેક મણકો એકસરખો હોય. અલગ અલગ રૂપ, રંગના મણકાઓ ભેગા મળીને પણ માળા બનાવી શકે. પરંતુ મણકાઓને ભેગા રાખવા માટે એક દોરાની જરૂર પડે છે. જ્યાં સુધી દોરો સાબૂત હોય ત્યાં સુધી માળા ટકે છે. જેવો દોરો તોડી નાખો એવી તરત માળા વિખરાઈ જાય છે. તમારા કિસ્સામાં પણ તમે ક્યારના અલગ અલગ મણકાઓનું વિસ્તારથી વર્ણન કરો છો. પરંતુ હું બધા મણકાઓની પાછળનો દોરો શોધી રહ્યો છું અને દિશામાં મારું નિદાન કન્ફર્મ થઇ ગયું. હવે તમારે જાતે સાજા થવા માટે મહેનત કરવી પડશે. તમારી માળાના સો સો મણકાઓને (ફરિયાદોને) બાંધી રાખનાર દોરાને અમે આયુર્વેદમાં ‘કાચો આમ’ કહીએ છીએ અને એક વાર જો કાચા આમને શરીરમાંથી કાઢી શકાય તો એક સાથે તમામ ફરિયાદો (મણકાઓ) વીખરાવા માંડશે. કાચો આમ કાઢવાનું કામ થોડું અઘરું જરૂર છે, પણ અશક્ય નથી. આયુર્વેદની કોઈ પણ સારવારમાં ત્રણ મુખ્ય બાબતો હોય છે. આહાર, વિહાર અને ઔષધ. આહાર એટલે કે ડાયેટ. તમારા માટે સ્પેશિયલ ડાયટ ડિઝાઈન કરવો પડશે. થોડા દિવસના ઉપવાસ, ગરમ ખાવાનું અને પચવામાં હલકું ખાવાનું રાખવું પડશે. મેંદો-ચીઝ-વાસી-ઠંડુ-તળેલું-મીઠાઈઓ એવું પચવામાં ભારે કશું પણ નહીં ખાવાનું. સવારે વહેલા ઊઠવાનું. સવારનો નાસ્તો બંધ. માત્ર એક કપ દૂધ પી શકાય. લંચ મોડામાં મોડા 12 વાગે અને ડિનર સાત વાગે પતવા જોઈએ. વિહાર એટલે કે રોજબરોજની એક્ટિવિટી અને કસરતો. તમારી બેઠાડુ લાઈફ સ્ટાઈલમાં કસરતોનો સમાવેશ કરવો પડશે. બપોરની ઊંઘ સંપૂર્ણપણે બંધ. રાત્રે 11 પછી જાગવું નહીં. દવાઓ સાથે સાથે પંચકર્મ સારવાર પણ ખૂબ ઉપયોગી બનશે. એક વાર પંચકર્મની મદદથી શરીરમાંથી કાચો આમ (ટોક્સિન) બહાર નીકળી જાય પછી તમામ સિસ્ટમ ઠેકાણે આવશે.’
ayulink@gmail.com
પાંચમો વેદ
વૈદ્ય પ્રેરક શાહ